અમદાવાદના સનાથલમાં 20 ફેબ્રુઆરીના રોજ ડાયરામાં હાજર ન રહેતા દેવાયત ખવડની કાર પર હુમલો થયો હતો. આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજ સિંહ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદથી બંને જૂથ વચ્ચે દુશ્મનાવટ શરૂ થઈ હતી. જે બાદ ઓગસ્ટમાં તાલાલાના ચિત્રોડ ગામે ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ તેમજ અન્ય 15 લોકોએ જીવલેણ હુમલો કર્યાનો આરોપ લાગ્યો. આ હુમલા બાદ દેવાયત ખવડ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતના 5 ગુના દાખલ કરાયા હતા અને તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે હવે બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવીને વિવાદનો અંત લાવ્યો છે.