રાજકોટમાં UPI પેમેન્ટ પર MDR ટેક્સને લઈને વેપારીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ 2 ઓક્ટોબરના રોજ ‘NO UPI DAY’ મનાવવાની જાહેરાત કરી છે. આ દિવસે વેપારીઓ UPI મારફતે પેમેન્ટ સ્વીકારશે નહીં અને સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવશે. આ વિરોધને લઈને હોલસેલ મર્ચન્ટ એસોસિએશને દેશવ્યાપી આંદોલનને ટેકો જાહેર કર્યો છે. વેપારીઓ દ્વારા 2 ઓક્ટોબરે તેમના UPI સ્કેનર પર કાળું કપડું લગાવીને વિરોધ કરવામાં આવશે. વેપારીઓનું કહેવું છે કે GST અને ઇન્કમ ટેક્સ સહિત વિવિધ કર ચૂકવ્યા બાદ હવે UPI પેમેન્ટ પર MDR ટેક્સનો ભાર વેપારીઓ પર નાખવામાં આવી રહ્યો છે. વેપારીઓએ સવાલ ઉઠાવ્યો છે કે GST અને ઇન્કમ ટેક્સ સિવાય સરકાર હજુ કેટલા ટેક્સ વસૂલશે? UPI પેમેન્ટને લઈને વેપારીઓમાં વધી રહેલા વિરોધ વચ્ચે 2 ઓક્ટોબરે રાજકોટ સહિત દેશભરમાં ‘NO UPI DAY’ના આહ્વાનની અસર જોવા મળી શકે છે.