રાજકોટમાં કાયદાના રક્ષકોએ જ કાયદો હાથમાં લીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ કર્મચારી એવા પ્રેમી પંખીડાને લઈને મારામારી થઈ હતી. મારનાર અને માર ખાનાર બન્ને પોલીસ કર્મચારીઓ હોવાથી પોલીસ ચોપડે આ ઘટનાની સત્તાવાર કોઈ નોંધ થવા પામી નથી આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જીત પાઠકને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસકર્મી સાથે પ્રેમ થયો હતો. પોલીસ કોન્સ્ટેબલ જીત પાઠક, છેલ્લા સાત દિવસથી મહિલા પોલીસ કોન્સ્ટેબલને ભગાડીને લઈ ગયો હોવાની વાત સામે આવી છે. મહિલા પોલીસ કર્મચારીના ભાઈ PSI હોઈ તેને ગોંડલ નોકરી કરતા તેના બેચમેટ PSI ધામેલીયાને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. મિત્રની મદદે મિત્ર આવ્યા અને ગોંડલથી પીએસઆઇ ધામેલીયા , LRD આશિષ ગઢવી તેમજ રાજકોટના યોગી તેમજ નંદન નામના વ્યક્તિઓએ યુવતીને ભગાડી જનાર પોલીસકર્મી જીત પાઠકની શોધખોળ શરૂ કરી હતી.