Rajkot જિલ્લાના Dhoraji તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે સિંહોના આંટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ફરેણી ગામ નજીક આવેલા ચેકડેમ વિસ્તારમાં સિંહોને લટાર મારતા જોવામાં આવ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. ચેકડેમ પાસે સિંહોની હાજરીના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને વહેલી સવારે અને સાંજના સમયે ખેતરોમાં જતાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સિંહોના આંટાફેરાની માહિતી તરત જ વનવિભાગને આપી હતી. વનવિભાગની ટીમે ઘટનાની જાણ થતા જ વિસ્તારમાં નજર રાખવાની કામગીરી શરૂ કરી છે. સાથે જ સ્થાનિક લોકોને સાવચેત રહેવા, એકલા બહાર ન નીકળવા અને પશુઓને સુરક્ષિત સ્થળે રાખવા અપીલ કરવામાં આવી છે. તાજેતરમાં ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી પ્રાણીઓની અવરજવર વધતા લોકોમાં ચિંતા વધી રહી છે. જોકે વનવિભાગે લોકોને ગભરાવાની જરૂર નથી અને કોઈ પણ જંગલી પ્રાણી દેખાય તો તરત જ વિભાગને જાણ કરવા જણાવ્યું છે.