ગુજરાતમાં હવામાનમાં ફરી એક વખત પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ મુજબ 19 થી 21 એપ્રિલ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં હળવો થી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. આજે અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા છે. સાથે જ દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુર જેવા દક્ષિણ ગુજરાત અને આદિવાસી પટ્ટામાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી છે. 20 એપ્રિલે પણ આ સિસ્ટમનો અસર ચાલુ રહેશે. ખાસ કરીને અમરેલી, ભાવનગર અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત દમણ, તાપી અને ડાંગ જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે, જેનાથી ગરમીમાંથી થોડી રાહત મળશે. 21 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, સુરત અને ભરૂચ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પવન સાથે છૂટાછવાયા ઝાપટાં પણ પડી શકે છે. હવામાનમાં આ બદલાવ વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમી યથાવત રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન આશરે 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે ગાંધીનગરમાં પણ તાપમાન 40 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. આમ, એક તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદથી રાહત મળશે તો બીજી તરફ કેટલાક શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.