હાલમાં આ રેલવે સ્ટેશનનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. ત્યારે રેલવે સ્ટેશનની બહાર પાર્કિંગના નામે લોકો સાથે લૂંટ ચલાવવામાં આવતી હોવાનો આરોપ લાગ્યો છે. પ્લેટફોર્મ નંબર એક બહાર પાર્કિંગમાં એક સામાન્ય પાર્કિંગ અને એક એલિવેટેડ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં એલિવેટેડ પાર્કિંગમાં કારના એક કલાકના 50 રૂપિયા અને 24 કલાકના 2100 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. VIP સુવિધાના નામે લોકો પાસેથી રૂપિયા ખંખેરવામાં આવી રહ્યા હોવાના આરોપ લાગી રહ્યા છે. મહત્વનું છે કે આ પાર્કિંગ સુવિધા રેલવેની સરકારી જગ્યા ઉપર કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ચલાવવામાં આવે છે જે આરોહી એન્ટરપ્રાઇઝ નામની એજન્સી ચલાવી રહી છે. આ સમગ્ર મામલે જ્યારે રેલવેના અધિકારીઓનું કહેવું છે કે મુસાફરોને એરપોર્ટ સમકક્ષ સુવિધા મળે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મોટાભાગે અહીં આવતા લોકો થોડા કલાકો માટે જ પાર્કિંગ કરતા હોય છે જેનો ભાવ ખૂબ સામાન્ય રાખવામાં આવ્યો છે પરંતુ 24 કલાકના જે ભાવ છે તેનો ઉપયોગ ખુબ ઓછા લોકો કરે છે અને આ પ્રકારે રેલવે સ્ટેશનનો બિનજરૂરી ટ્રાફિકનો ભાર પણ ઘટાડી શકાય છે. મહત્વનું છે કે એક તરફ નવીનીકરણનું કાર્ય પ્રગતિમાં છે ત્યારે સરકારી જમીન ઉપર ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા ચલાવવામાં આવતી પાર્કિંગની આ મોંઘીદાટ સુવિધા સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.