તહેવારોની મોસમ એટલે ઉજવણીનો સમય… પણ કેટલાક માટે એ કાયદો તોડવાનો સમય છે. નર્મદા જિલ્લામાં એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે દારૂ લઇ જવાતો હતો.. તહેવારોની સીઝનમાં બુટલેગરો દિવસે ને દિવસે અવનવા કિમીયા અજમાવી રહ્યાં છે. ક્યારેક ભંગારની આડમાં, ક્યારેક સીતાફળની પેટીઓમાં અને હવે એમ્બ્યુલન્સમાં ! નર્મદા જિલ્લાના સાગબારાની ધનશેરા ચેકપોસ્ટ પર પોલીસે રોકેલી આ એમ્બ્યુલન્સની અંદર મળ્યો દારૂનો જથ્થો. આશરે 3 લાખ 43 હજારથી વધુના વિદેશી દારૂ સાથે કુલ 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. બુટલેગરો રાજસ્થાનના કરોલીથી અમદાવાદ દારૂ લઈ જઈ રહ્યાં હતા, એમ્બ્યુલન્સમાં છુપાવેલો દારૂનો સ્ટોક જોઈ પોલીસ પણ ચોંકી ગઇ. સાગબારા પોલીસે સમયસર કાર્યવાહી કરતાં મોટી હેરાફેરીનો ભાંડો ફોડી નાખ્યો, આરોપી પકડાયો છે અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. એમ્બ્યુલન્સનો અવાજ સંવેદનાનો છે, પણ બુટલેગરો માટે એ હવે બની ગયો છે નફાનું માધ્યમ !તહેવારોમાં બુટલેગર નવા નવા કીમિયા અજમાવે તે પહેલાં પોલીસની કડક કાર્યવાહીની જરૂર છે.