દિવાળીના તહેવારમાં જ્વેલર્સની દુકાનોમાં ભારે ભીડ જોવા મળતી હોય છે. તો આંગડિયા પેઢીમાં પણ મોટી રોકડની હેરફેર થતી હોય છે. ત્યારે આ સમયે ચોરી, લૂંટ કરતી ટોળકીઓ સક્રિય થાય છે. ત્યારે આ ટોળકીથી સાવચેત રહેતા અમદાવાદ ગ્રામ્ય પોલીસે એકશન પ્લાન બનાવ્યો છે.ગ્રામ્ય પોલીસે તેમની હદમાં આવતી સોસાયટીના ચેરમેન, જ્વેલર્સના માલિક, આંગડિયા પેઢી અને સિક્યુરિટી એજન્સીના સંચાલકો સાથે મિટિંગ કરી. સાવચેત રહેવાની સૂચના આપી. પોલીસે સાવચેતીના પગલાં રૂપે આંગડિયા પેઢીઓને બેગમાં GPS લગાવાની સૂચના આપી. સાથે મોટી રકમની હેરફેર સમયે પોલીસને જાણ કરવા કહ્યું છે. જો હાલમાં જ નવા કર્મીની નિમણૂક કરી હોય તો તેનું પોલીસ વેરિફિકેશન કરાવવું. આ ઉપરાંત જ્વેલર્સ અને આંગડિયા પેઢીમાં CCTV ચાલુ રાખવા. અને તેની ફીડ પોલીસને મળે તેવી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ સોસાયટીમાં આવતા ફેરિયાઓ અને ઘરઘાટી પર નજર રાખી. કોઈ શંકાસ્પદ હિલચાલ જોવા મળે પોલીસને જાણ કરવા જણાવવામાં આવ્યું છે. જો સ્થાનિકો લાંબા સમય માટે ઘર બંધ કરી ફરવા જવાના હોય તો પોલીસને જાણ કરવા કહેવાયું છે. તો રાત્રીના સમયે સુરક્ષાકર્મીઓને ખાસ એલર્ટ રહેવા સૂચન કરાયું છે.