સુરતના પાલ વિસ્તારમાં દારૂના દૂષણ અને અસામાજિક તત્ત્વોના ત્રાસથી કંટાળેલી મહિલાઓએ પોલીસની રાહ જોયા વગર જાતે જ મેદાનમાં ઊતરી ‘જનતા રેડ’ કરી બૂટલેગરોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. મહાદેવ ફળિયામાં રહેણાક વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાને કારણે યુવતીઓની સુરક્ષા જોખમાતી હોવાથી મહિલાઓ રણચંડી બની ત્રાટકી હતી...બૂટલેગરે જ્યારે 'તમને શું નડે છે?' કહી ઉદ્ધતાઈ કરી ત્યારે ઉશ્કેરાયેલી મહિલાઓએ દારૂની પોટલીઓ રસ્તા પર ફેંકી દઈ અડ્ડાનો સોથ વાળી દીધો હતો. આ જનતા રેડનું સૌથી આશ્ચર્યજનક અને પ્રેરણાદાયી દ્રશ્ય એ હતું કે એક મહિલા પોતાના નાના માસૂમ બાળકને તેડીને પણ આ સાહસિક અભિયાનમાં જોડાઈ હતી. આ દ્રશ્ય દર્શાવતું હતું કે મહિલાઓ પોતાના પરિવાર અને સંતાનોના ભવિષ્યને બચાવવા કેટલી હદે મક્કમ છે. જ્યારે મહિલાઓનું ટોળું અડ્ડા પર પહોંચ્યું ત્યારે ત્યાં રાત્રિના અંધારામાં દેશી દારૂનું વેચાણ પુરજોશમાં ચાલી રહ્યું હતું..જનતા રેડ બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિકોએ તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ ઠાલવ્યો હતો.પરંતુ અહી સવાલ એ છે કે લોકો અડ્ડા પર રેડ પાડી શકે તો પોલીસ કેમ નહીં ?.,આ જનતા રેડને લઈ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે