ભરૂચના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પૂરના પાણી ઘરમાં ઘૂસતા લોકો રસ્તા પર ઉતર્યા છે. ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ભરૂચ ખાતે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચના ગોલ્ડનબ્રીજ ખાતે આજે નર્મદા નદીની જળ સપાટી 35 ફૂટને અડી ગઈ હતી, ગોલ્ડનબ્રીજ પર નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે, જેનાથી 10 ફૂટ ઉપર નીર વહી રહ્યા છે અને હજુ પણ વધુ પાણી આવવાની શક્યતાઓ છે. નર્મદાના પાણીએ ભરૂચમાં તબાહી મચાવી દીધી છે.