નવરાત્રિ દરમિયાન પાવાગઢ જતાં માઈ ભક્તો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. નવરાત્રિના નોરતા દરમિયાન ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને પાવાગઢ રોપવે સેવા વહેલી પરોઢથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં પાવાગઢ દર્શન માટે પહોંચતા ભક્તોને ખાસ રાહત મળશે. રોપવે સેવા ચલાવતી કંપની દ્વારા નવરાત્રિ દરમિયાનનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ ભક્તો માટે રોપવે સેવા સવારે **5 વાગ્યાથી શરૂ થઈને રાતના 9 વાગ્યા સુધી** ચાલુ રહેશે. વહેલી સવારથી રોપવે સેવા શરૂ થવાથી દૂર-દૂરથી આવતા ભક્તોને સરળતાથી પાવાગઢ પહોંચીને માતાજીના દર્શન કરવાનો લાભ મળશે. નવરાત્રિ દરમિયાન પાવાગઢ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. ત્યારે ભક્તોની સંખ્યા વધશે અને જરૂરિયાત ઊભી થશે તો રોપવે સેવાનો સમય વધુ લંબાવવામાં આવી શકે છે. આ વ્યવસ્થાથી નવરાત્રિ દરમિયાન પાવાગઢ આવતા માઈ ભક્તોને દર્શન માટે વધુ સુવિધા મળી રહેશે.