દેશમાં સ્વચ્છતા માટે અનેક અભિયાનો ચલાવવામાં આવે છે. કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. પરંતુ, દીવા તળે અંધારૂ જેવી સ્થિતિ પાલનપુરની અનેક સરકારી કચેરીઓમાં જોવા મળી રહી છે. કચેરીઓની દીવાલો પાનની પિચકારીઓથી રંગાયેલી નજરે પડી રહી છે. કચેરીઓમાં આવતા કેટલાક અરજદારોની સાથે કેટલાક કર્મચારીઓની કુટેવના કારણે સરકારી સંપત્તિઓના હાલ બેહાલ બન્યા છે. કલેક્ટર કચેરીથી લઈ જિલ્લા પંચાયત સુધીની મોટાભાગની કચેરીઓની દિવાલો લાલ દાગથી ઢંકાઈ ગઈ છે. કેટલાક અરજદારો કચેરીઓની આ સ્થિતિ જોઈ દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા સેવકો પ્રતિદીન સાફ સફાઈ રાખે છે. તેઓ પણ પાન ખાઈને જ્યાં ત્યાં પિચકારી મારતા લોકોથી કંટાળી ચૂક્યા છે. સેવકોનું કહેવું છે કે, તેઓ રોજ સફાઈ રાખવાનો પ્રયત્ન કરે છે. લોકોને સમજાવે પણ છે કે પાન ખાઈ અહીં ન થૂંકે. પરંતુ, લોકો સાંભળતા નથી. જેના કારણે ફરીથી દિવાલો ગંદી થઈ જાય છે.. સરકારી કચેરીમાં પાન મસાલા પર પ્રતિબંધ છે. કેટલીક કચેરીઓમાં CCTV કેમેરા પણ લાગેલા છે. જો કોઈ આ પ્રકારની હરકત કરતા જોવા મળે તો નિયમ મુજબ દંડ પણ કરવામાં આવે છે. પરંતુ જરૂરી છે કે લોકો પોતે જ જવાબદારી સમજે અને સરકારી સંપત્તિની જાળવણી કરે.