ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોતા નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેશે, તેવી આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદ માટે સાનુકૂળ સિસ્ટમ બની છે. ચિંતાની વાત એ છે કે, રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 245 મિલીમીટરની સામે માત્ર 117 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 31 ટકા ઓછો છે. વરસાદની વર્તમાન ઘટ વચ્ચે હવામાન વિભાગની આ આગાહીથી ખેડૂતો અને સામાન્ય જનતામાં રાહતની આશા જાગી છે. હવે જોવાનું એ રહેશે કે, આ નવી સિસ્ટમ ગુજરાતમાં વરસાદની અછત કેટલી પૂરી કરે છે.