મહારાષ્ટ્રની નંદીગ્રામ એક્સપ્રેસમાંથી એક અનોખો અને ચર્ચાસ્પદ મામલો સામે આવ્યો છે. ટ્રેનના ફર્સ્ટ એસી (1AC) કોચમાં મુસાફરી કરી રહેલા એક કપલે પોતાના ખાનગી કેબિનને ફૂલોથી શણગારીને તેને રોમેન્ટિક સ્યુટ જેવો લુક આપી દીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મુસાફરો અને નેટિઝન્સમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે કેબિનમાં વિવિધ પ્રકારના ફૂલો અને ડેકોરેશન સામગ્રીનો ઉપયોગ કરીને ખાસ સજાવટ કરવામાં આવી હતી. આ સજાવટ માટે ખાનગી ડેકોરેટરને ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેના કારણે સુરક્ષા અને નિયમોના પાલન અંગે અનેક સવાલો ઊભા થયા છે. મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભારતીય રેલવે તંત્રએ તેને ગંભીરતાથી લીધો હતો. રેલવેના જણાવ્યા મુજબ, કોઈપણ ખાનગી વ્યક્તિને યોગ્ય મંજૂરી વિના ટ્રેનમાં આવી રીતે ડેકોરેશન કરવાની છૂટ આપવી સુરક્ષાની દૃષ્ટિએ મોટી બેદરકારી ગણાય છે. પ્રાથમિક તપાસ બાદ આ ઘટનામાં ફરજ પર રહેલા સંબંધિત ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TC) સામે કાર્યવાહી કરવામાં આવી છે. રેલવે પ્રશાસને સંબંધિત TCને સસ્પેન્ડ કરી દીધા છે અને સમગ્ર મામલે વિભાગીય તપાસના આદેશ પણ આપ્યા છે. તપાસમાં એ જાણી લેવામાં આવશે કે ખાનગી ડેકોરેટરને ટ્રેનમાં પ્રવેશ કેવી રીતે મળ્યો અને સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન ક્યાં થયું. રેલવે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોની સુવિધા અને સુરક્ષા તેમની પ્રથમ પ્રાથમિકતા છે. ટ્રેનમાં કોઈપણ પ્રકારની અનધિકૃત પ્રવૃત્તિ અથવા નિયમોનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર લોકો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ બની છે. ઘણા લોકોએ તેને અનોખી અને રસપ્રદ ઘટના ગણાવી, જ્યારે અનેક યુઝર્સે જાહેર પરિવહનમાં આવા ડેકોરેશનને સુરક્ષા માટે જોખમી ગણાવીને રેલવેની કાર્યવાહીને યોગ્ય ગણાવી છે.