ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે બિનજરૂરી ખર્ચા મુદ્દે સમાજને ટકોર કરી. મહેસાણાના વિસનગરમાં કાર્યક્રમ દરમિયાન કહ્યું, લગ્નમાં દેખાડો કરવા દેવું ના કરો. વીઘો વેચી લગ્ન ના કરો. મધ્યમ વર્ગ દેખાડાની લ્હાયમાં પાયમાલ થઈ રહ્યો છે. ખોટા દેખાડા અને ખર્ચમાંથી બહાર નીકળો. વ્યાજે લીધેલા પૈસાથી વટ પાડવાની જરૂર નથી. તમે લગ્નમાં ૧૦ લાખ, ૨૫ લાખ કે ૧ કરોડ ખર્ચો અને એ માટે જમીન વેચી હોય કે ઘરેણાં ગીરવે મૂક્યા હોય, એવા વટનો શું અર્થ? જે દીકરાને તમે હાથીની પાલખીમાં બેસાડીને લગ્ન કરાવ્યા, એક વર્ષ પછી એ જ દીકરાના ગજવામાં જો ૨ હજાર રૂપિયા પણ નામ પૂરતા ન હોય ત્યારે એ દીકરો તમને ક્યારેય માફ નહીં કરે. એ તમને પૂછશે કે ‘બાપા, મને તો ખબર નહોતી પણ તમને તો ખબર હતી ને કે આટલો ખોટો વટ ન કરાય!’ મારે તમને વિનંતી છે કે આવા ખોટા દેખાડા અને ખર્ચમાંથી બહાર નીકળો અને સંતાનોના ભવિષ્યનો વિચાર કરો.