દૂધના ભાવમાં વધારાને કારણે સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક ભાર પડ્યો છે. ખાસ કરીને અમૂલ દૂધના ભાવમાં થયેલા વધારાની સીધી અસર દૈનિક જીવન પર જોવા મળી રહી છે, જેમાં ચાની ચૂસકી પણ હવે મોંઘી બનવાની શક્યતા છે. દૂધના ભાવ વધતા ચાના ભાવમાં પણ વધારો થવાની સંભાવના ઉભી થઈ છે. ચાની કિટલી ચલાવનાર નાના વેપારીઓ પર આનો સીધો અસરકારક પ્રભાવ જોવા મળી રહ્યો છે, કારણ કે તેમના દૈનિક ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્થાનિક ચાની કિટલીધારકોના જણાવ્યા મુજબ, દૂધ મોંઘું થતા તેમના રોજિંદા વ્યવસાય પર માઠી અસર પડી રહી છે અને તેમને રોજના અંદાજે 250 રૂપિયાથી વધુનું નુકસાન થઈ રહ્યું છે. વધતા ખર્ચને પહોંચી વળવા હવે ચાના ભાવમાં વધારો કરવો તેમની માટે ફરજિયાત બની રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે જો હાલની સ્થિતિ યથાવત રહે તો ચાના પ્રતિ કપના ભાવમાં અંદાજે 2 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. આથી સામાન્ય ગ્રાહકો માટે પણ રોજિંદી ચા હવે વધુ ખર્ચાળ બની શકે છે. દૂધના ભાવ વધારાની આ અસર માત્ર વેપારીઓ સુધી મર્યાદિત નથી, પરંતુ સામાન્ય જનતા પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે, જેના કારણે મોંઘવારીનો દબાણ વધુ વધવાની શક્યતા છે.