ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં ભીષણ ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતીઓ માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં બે દિવસ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે, જેમાં હવામાન વિભાગના મતે સાત દિવસ હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા દર્શાવવામાં આવી નથી. આગામી સાત દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ તેવી શક્યતા છે. પરંતુ હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી કરી છે. 22 મેના દિવસે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તથા દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે. શનિવારે 23મી મેના દિવસે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તથા દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે.