આજના સમયમાં સારા માર્ક્સ માટે ટ્યુશન જરૂરી છે. એવી માન્યતા વચ્ચે મહેસાણાની આ શાળાએ ગણતરી બદલી નાખી! ન ટ્યુશન, ન વધારાનો ખર્ચ, માત્ર ‘ઝીરો પીરિયડ’ અને શિક્ષકોની મહેનતથી પરિણામ આવ્યું 100 ટકા..! મહેસાણાના બેચરાજી તાલુકાના સાંપાવાડાની જાગૃતિ વિદ્યાલયે સાબિત કર્યું કે પરિણામ માટે મોંઘા ટ્યુશન નહીં, પરંતુ શિક્ષકોનું આયોજન અને વિદ્યાર્થીઓ પર સતત ધ્યાન જરૂરી છે. વર્ષ 2022માં માત્ર 60 ટકા પરિણામ ધરાવતી આ શાળામાં શરૂ થયો ‘ઝીરો પીરિયડ’નો પ્રયોગ... સવારે જ વધારાનો તાસ, નિયમિત પુનરાવર્તન અને શિક્ષકોની સતત મહેનતે શાળાનું પરિણામ 100 ટકા સુધી પહોંચાડ્યું. બોર્ડની પરીક્ષા પહેલા પ્રિન્સિપાલ અને શિક્ષકો દ્વારા મોક ટેસ્ટ અને રિવિઝન કરાવાય છે.. વિદ્યાર્થીઓની ભૂલો સુધારવામાં આવે છે. જેને પગલે શાળા સતત ૧૦૦ ટકા પરિણામ મેળવી મહેસાણા જિલ્લાની સર્વશ્રેષ્ઠ શાળા તરીકે રૂ. ૭૫,૦૦૦ના રોકડ પુરસ્કારથી સન્માનિત થઈ છે. પેપર સોલ્યુશન અને મોક ટેસ્ટના મહાવરાથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે. એક તરફ વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશનનો ખર્ચ બચ્યો, તો બીજી તરફ વાલીઓને પોતાના બાળકોના પરિણામની ચિંતા પણ ઓછી થઈ. શિક્ષકોની મહેનત અને સતત ફોલોઅપથી સામાન્ય ગણાતા વિદ્યાર્થીઓ પણ 85થી 90 ટકા સુધીના ગુણ મેળવવા લાગ્યા.