મહેસાણા જિલ્લામાં આવેલા પુનાસણ ગામમાં ખેતરમાં દીપડાના આંટાફેરા જોવા મળતાં ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે. એક ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરામાં દીપડાનો વીડિયો કેદ કર્યો હતો, જે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. મળતી માહિતી અનુસાર, દીપડો ખેતરમાં નિર્ભયતાથી ફરતો જોવા મળ્યો હતો. ખેડૂત જ્યારે ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમની નજર દીપડાં પર પડી હતી. સ્થિતિની ગંભીરતા સમજતા તેમણે સુરક્ષિત અંતર જાળવી મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કર્યો. વિડિયો વાયરલ થતાં જ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતાં જ વન વિભાગની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કર્યું. તપાસ દરમિયાન વન વિભાગે પુષ્ટિ કરી કે ખેતરમાં દેખાયેલો પ્રાણી દીપડાનું બચ્ચું હતું. વન વિભાગે ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના આપી છે. ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે ખેતરમાં એકલા ન જવા, નાના બાળકોને બહાર એકલા ન છોડવા અને કોઈપણ જંગલી પ્રાણી દેખાય તો તરત જ વન વિભાગને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. હાલ વન વિભાગ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને દીપડાનું બચ્ચું સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં પરત ફરે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ગ્રામજનોને ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી અનિવાર્ય હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.