મહેસાણા સહિત ઉત્તર ગુજરાત માટે રાહત અને આનંદના સમાચાર છે કે ધરોઈ ડેમ તેની ક્ષમતા સુધી ભરાઈ ગયો છે. હાલમાં ડેમની સપાટી 622.01 ફૂટ પર પહોંચી ગઈ છે, અને તેમાં 3,450 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં, પાણીના યોગ્ય નિકાલ માટે તંત્ર દ્વારા ડેમનો એક દરવાજો 0.65 મીટર ખોલવામાં આવ્યો છે, જેના દ્વારા ડેમમાંથી એટલું જ એટલે કે 3,450 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, ખેડૂતો માટે સિંચાઈના હેતુથી રાઈટ બેંક મેઈન કેનાલમાં પણ પાણી છોડવાનું શરૂ કરી દેવાયું છે. ડેમ સંપૂર્ણ ભરાતા આગામી સિંચાઈની અને પીવાના પાણીની ચિંતા દૂર થઈ છે.