ગુજરાતભરમાં સોના–ચાંદીના શોરૂમોમાં તોલમાપ ખાતા દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન રાજ્યના કુલ ૩૭૦ શોરૂમ એકમોમાં વજન કાંટાની ચકાસણી કરવામાં આવી, જેમાં અનેક જગ્યાએ ગ્રાહકોને નિયત વજન કરતાં ઓછું વજન આપવામાં આવતું હોવાની ફરિયાદો સાચી સાબિત થઈ. તપાસ દરમિયાન સામે આવ્યું કે અનેક શોરૂમોમાં મુદ્રાંકન કર્યા વગરના વજન માપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જ્યારે કેટલાક એકમોએ ફરજિયાત ખરાઈ પ્રમાણપત્ર જાહેરમાં પ્રદર્શિત કર્યું નહોતું. આ પ્રકારના નિયમ ભંગ બદલ કુલ ૨૭૩ એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો પાસેથી તોલમાપ ખાતા દ્વારા કુલ રૂ. ૬.૭૯ લાખની દંડ રકમ વસુલવામાં આવી છે. જિલ્લામાંવાર વિગતો મુજબ, અમદાવાદમાં સૌથી વધુ ૬૧ એકમોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૨૨ સામે કેસ નોંધાયા. ભરૂચ–નર્મદા વિસ્તારમાં ૨૭ એકમોની તપાસ દરમિયાન ૨૫ કેસ થયા, જ્યારે જૂનાગઢ–ગીરસોમનાથમાં ૨૧ એકમોની તપાસ સામે ૨૦ કેસ નોંધાયા. ભાવનગર–બોટાદમાં ૨૦ એકમોની તપાસ દરમિયાન ૧૭ કેસ સામે આવ્યા અને સુરતમાં ૨૦ એકમોની તપાસમાંથી ૧૪ એકમો સામે કાર્યવાહી કરવામાં આવી.