મહીસાગર જિલ્લામાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પવનની સાથે પડેલા વરસાદે ગરમીનો માહોલ થોડો ઠંડો કર્યો હતો. જિલ્લાના લુણાવાડા, ખાનપુર, કડાણા અને સંતરામપુર વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે રસ્તાઓ ભીના બન્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદ લોકો માટે રાહતરૂપ સાબિત થયો હતો. આ ઉપરાંત વીરપુર, બાલાસિનોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં અમી છાંટણાં થયા હતા, જ્યારે કેટલાક સ્થળોએ હળવો વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે ખેડૂતો તેમજ સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અમી છાંટણાં અને હળવા વરસાદને કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી હતી. દિવસભર ગરમી અને ભેજના કારણે પરેશાન બનેલા લોકો માટે આ વરસાદ રાહતનો શ્વાસ લઈને આવ્યો હતો. હવામાનમાં આવેલા આ બદલાવથી આગામી દિવસોમાં પણ વાતાવરણ સુહાવણું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.