ગુજરાતમાં અધિક મહિનામાં જ અષાઢી વાતાવરણ છવાયું છે. હવામાન વિભાગે ગુજરાતમાં પાંચમી જૂન સુધીમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. ગુજરાતના હવામાનમાં પલટો આવવાને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે હવામાન વિભાગનું કહેવું છે કે એક સાથે ત્રણથી ચાર મજબૂત સિસ્ટમ સક્રિય થતા મોટા પ્રમાણમાં ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. જેથી છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાને ગરમીમાંથી રાહત મળશે. હવામાન વિભાગની આગાહીની વાત કરીએતો આ બાજુ આણંદમાં તો ગાજવીજ અને પવન સાથે વરસાદનું આગમન થયું.વહેલી સવારથી જિલ્લામાં ઘણા સ્થળોએ ઝરમર વરસાદ વરસચા જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેમાં પવનની તેજ ગતિથી કેટલાંક વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો હતો. ચોમાસાની વાત કરીએ તો, ચોમાસાની ઉત્તરીય રેખા હાલ સ્થિર ગતિએ આગળ વધી રહી છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, આગામી ત્રણથી ચાર દિવસમાં કેરળ, તમિલનાડુ અને બંગાળની ખાડીના વધુ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સંપૂર્ણ સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ છે. જે આગામી સમયમાં ગુજરાત માટે પણ સારા સંકેત છે.