વલસાડ જિલ્લાના વાઘલધરા ગામે ફરી એકવાર દીપડાની હાજરી સામે આવી છે. ગામના વારી ફળિયા વિસ્તારમાં રાત્રિના સમયે દીપડો રસ્તા પર ફરી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, રાત્રિના અંધારામાં દીપડો ગામના મુખ્ય રસ્તા પરથી આંટાફેરા મારતો જોવા મળ્યો હતો. રસ્તા પર નિર્ભયતાથી ફરી રહેલા દીપડાની આ દૃશ્યાવલી સ્થાનિક રહેવાસીઓના મોબાઇલ કેમેરામાં કેદ થઈ હતી, જે બાદમાં વીડિયો વાયરલ થયો હતો. દીપડાની લટારને કારણે ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. ખાસ કરીને રાત્રિના સમયે બહાર નીકળવામાં ગ્રામજનોમાં ડર જોવા મળી રહ્યો છે. બાળકો અને વૃદ્ધોની સુરક્ષાને લઈને પણ લોકો ચિંતિત બન્યા છે. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા ગામમાં નજર રાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ગ્રામજનોને રાત્રિના સમયે સાવચેત રહેવા તેમજ એકલા બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.