અમદાવાદના ઘુમાગામમાં દીપડાના આંટાફેરાના મામલે વન વિભાગે સર્ચ ઓપરેશન વધુ તેજ બનાવ્યું છે. શરણદીપ સોસાયટીની આજુબાજુ આવેલા ગ્રીનબેલ્ટ વિસ્તારમાં દિવસ દરમિયાન દીપડો ઝાડી-ઝાંખરામાં છુપાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દીપડાને શોધી સુરક્ષિત રીતે પકડવા માટે વન વિભાગ હવે આધુનિક ટેકનોલોજીનો સહારો લઈ રહ્યું છે. આગામી કામગીરીમાં થર્મલ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે, જે અંદાજે 15 કિલોમીટરના વિસ્તારમાં નજર રાખી શકશે. દીપડાના શરીરના તાપમાનના આધારે તેની ચોક્કસ ઓળખ કરીને તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવશે, જેથી તેને ઝડપથી અને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી શકાય. વન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને સ્થાનિકોને સતર્ક રહેવાની સાથે અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ કરવામાં આવી છે. તો આ મામલે નાયબ વન સંરક્ષકે કહ્યું કે CCTV જોતા દીપડો આશરે 8 વર્ષનો હોવાનું અનુમાન છે. અને તે ખોરાકની શોધમાં આવ્યો હોવાની શક્યતા છે.....તેણે એક મરઘીનું મારણ કર્યુ હોવાના પણ પુરાવા મળ્યા છે ....પરંતુ હાલ દીપડો દૂર ચાલ્યો ગયો હોઈ શકે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને દસક્રોઈ, માંડલ, સાણંદ સહિતના વિસ્તારની ટીમો કામે લાગી. તથા થર્મલ ડ્રોનની મદદથી પણ સતત નજર રાખવામાં આવી રહી છે....તથા લોકોને સાવચેત રહેવા પણ જાણ કરવામાં આવી.