જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા છેલ્લા ચાર દિવસથી કિલ્લો પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યો હતો. દીપડાની હાજરીને પગલે વન વિભાગ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર કિલ્લા વિસ્તારમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. દીપડાને પકડવા માટે વન વિભાગે કિલ્લા વિસ્તારમાં કુલ પાંચ પાંજરા ગોઠવ્યા હતા. આ ઉપરાંત ફિલ્ડ સ્ટાફ, ટ્રેકર અને વેટરનરી ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. દીપડાની હિલચાલ પર નજર રાખવા માટે ટ્રેપ કેમેરા તેમજ થર્મલ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં 24 કલાક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગની સતત અને સઘન કામગીરી બાદ આખરે દીપડો પાંજરે પુરાયો છે. દીપડો પકડાતા વન વિભાગ તેમજ સ્થાનિક તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ખાસ કરીને કિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે છેલ્લા ચાર દિવસથી કરવામાં આવી રહેલી કામગીરી હવે સફળ રહી છે. દીપડો પાંજરે પુરાતા ઉપરકોટ કિલ્લો ફરીથી પ્રવાસીઓ માટે સુરક્ષિત બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હવે કિલ્લો પ્રવાસીઓ માટે ક્યારે ખોલવામાં આવશે તે અંગે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવશે. સમગ્ર ઘટનાએ એક વખત ફરી ઐતિહાસિક સ્થળો અને રહેણાંક વિસ્તારોમાં વન્યજીવોની હાજરી સામે સતર્કતા અને ઝડપી રેસ્ક્યૂ ઓપરેશનનું મહત્વ દર્શાવ્યું છે.