જૂનાગઢમાં કેસર કેરીની સિઝનની શરૂઆત સાથે માર્કેટ યાર્ડમાં આવક શરૂ થઈ ગઈ છે. હાલ અંદાજે 700 બોક્સ કેસર કેરી માર્કેટમાં આવી પહોંચી છે, જેના કારણે વેપારીઓ અને ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારમાં દસ કિલોના બોક્સ દીઠ કેસર કેરીના ભાવ 1100 થી 1800 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે. શરૂઆતમાં આવક ઓછી હોવાથી ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે, અને આગળ જઈને આવક વધતા તેમાં થોડો ફેરફાર આવી શકે છે. આ વર્ષે કમોસમી વરસાદ અને માવઠાના કારણે કેસર કેરીના પાક પર અસર પડી હોવાનું જણાઈ રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં ઉત્પાદન ઓછું રહેવાની શક્યતા છે, જેના કારણે બજારમાં પુરવઠા પર અસર પડી શકે છે. તેના કારણે આ વર્ષે કેરીની સિઝન થોડું લાંબી ચાલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવક ધીમે ધીમે વધતી જશે અને બજારમાં કેરી વધુ સમય સુધી ઉપલબ્ધ રહે તેવી આશા છે. વિશેષજ્ઞોના મત મુજબ, આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે કેરીના ભાવ ઊંચા રહેવાની શક્યતા છે. તેમ છતાં, જો આવનારા દિવસોમાં વાતાવરણ અનુકૂળ રહેશે તો સામાન્ય લોકોને પણ કેસર કેરીનો સ્વાદ માણવાની તક મળશે.