પવિત્ર નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે ત્યારે વાત કરીએ જૂનાગઢના એક અનોખા મંદિર વિશે કે જે નવરાત્રી નિમિત્તે જ ખુલ્લું મૂકવામાં આવે છે, આવો જાણીએ આ મંદિરનું શું છે મહિમા ? જૂનાગઢમાં આવેલું હીરાગીરી માતાજીનું ઐતિહાસિક શક્તિ સ્થળ જે ફક્ત નવરાત્રીના દિવસો પૂરતું જ ખુલ્લું મૂકવામાં આવે છે.હીરાગીરી માતાનું મૂળ વતન ઉત્તર ભારત હતું પરંતુ તેમની સાધનાનું મુકામ બન્યું માંગનાથ પીપળી.લોક વાયકા મુજબ માલધારીઓના નેસ વચ્ચે રહીને માતાજી દ્વારા તપ સાધના અને ગાયોની સેવા કરવામાં આવતી. માંગા ભટ્ટ સાથે પરિચિત થવાથી માતાજી માંગનાથ મહાદેવના મંદિરમાં વસવાટ કરવા માટે આવ્યા હતા. શક્તિ સ્વરૂપ હીરાગીરી માતાજીની અનેક સિદ્ધિઓથી પ્રભાવિત થઈને માંગા ભટ્ટ દ્વારા માંગનાથ મહાદેવનું મંદિર માતાજીને સુપરત કરેલુ. પોતાનું દેવી કાર્ય પૂર્ણ થયેલું માનીને હીરાગીરીજીએ જીવતા સમાધિ લીધી હતી અને આ શક્તિસ્થળ માંગનાથ મહાદેવના મંદિરમાં વિદ્યમાન છે. આ મઢ આખા વર્ષ દરમિયાન બંધ રહે છે. માત્ર આસો મહિનાની નવરાત્રીના પ્રથમ દિવસથી આઠમ સુધી જ તેના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવે છે. આઠમની રાત્રે અહીં ભવ્ય હવન-યજ્ઞ યોજાય છે અને નોમના દિવસે મંદિર પુનઃ એક વર્ષ માટે બંધ કરી દેવામાં આવે છે. નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓ અહીં પોતાના ઘરેથી તેલ લાવીને અખંડ દીવા પ્રગટાવે છે. અહીં 151થી વધુ તેલના અખંડ દીવાઓની દિવ્ય જ્યોત પ્રગટે. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માતાજી સમક્ષ પ્રાર્થના કરે છે