જૂનાગઢમાં દાતાર પર્વતની ગિરિમાળામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સતત વરસાદને પગલે સમગ્ર પર્વતીય વિસ્તારમાં પાણીના પ્રવાહો વહેતા થયા છે, જેના કારણે ગિરનાર અને આસપાસના જંગલ વિસ્તારનું કુદરતી સૌંદર્ય વધુ ખીલી ઊઠ્યું છે. ધોધમાર વરસાદના કારણે વિલિંગ્ડન ડેમમાં પણ પાણીની આવક શરૂ થઈ છે. ડેમ વિસ્તારમાં પાણીના સ્તરમાં વધારો થતાં આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પર્વતીય વિસ્તારમાં વહેતા ઝરણાં અને પાણીના ધોધે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. બીજી તરફ જૂનાગઢના શહેરી વિસ્તારોમાં પણ વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના કારણે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે, જ્યારે શહેર અને આસપાસના વિસ્તારોમાં ચોમાસાની હરિયાળી વધુ સુંદર બની છે.