તહેવારોની સિઝન શરૂ થતાં જ બજારમાં મીઠાઈની ખરીદી વધવા લાગી છે, ત્યારે જામનગરમાં મીઠાઈને લઈને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. તહેવાર માટે ખરીદવામાં આવેલી કાજુ કતરી એક્સપાયર ડેટ પહેલા જ બગડેલી નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી છે. ગ્રાહકના દાવા મુજબ, ‘નટબટ કંપની’ની કાજુ કતરીમાં ફૂગ જોવા મળી હતી, જેના કારણે હોબાળો મચ્યો હતો. મળતી માહિતી મુજબ, ગ્રાહકે કિલોદીઠ રૂ.950ના ભાવે કાજુ કતરી ખરીદી હતી. ઘરે લઈ ગયા બાદ મીઠાઈ બગડેલી હોવાનું ધ્યાનમાં આવતા ગ્રાહકે કંપનીમાં ફરિયાદ કરી હતી. જોકે, કંપની તરફથી યોગ્ય જવાબ ન મળ્યાનો ગ્રાહકે આરોપ લગાવ્યો છે. ત્યારબાદ સમગ્ર મામલે ફૂડ શાખાને જાણ કરવામાં આવી હતી. ફરિયાદ મળતા ફૂડ શાખાની ટીમે સંબંધિત આઉટલેટ પર કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન આઉટલેટ પર વધુ કાજુ કતરી સહિતની બગડેલી પ્રોડક્ટ મળી આવી હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર મામલે ફૂડ શાખા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તહેવારો દરમિયાન મીઠાઈની ખરીદી કરતા ગ્રાહકો માટે આ ઘટના ચેતવણીરૂપ બની છે. મીઠાઈ ખરીદતા પહેલા તેની મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ, પેકિંગ અને ગુણવત્તા જરૂરથી તપાસવી જોઈએ. ખાસ કરીને પેકેટમાં ફૂગ, દુર્ગંધ કે મીઠાઈના રંગ-સ્વાદમાં અસામાન્ય ફેરફાર જણાય તો તેનું સેવન ટાળવું અને સંબંધિત તંત્રને ફરિયાદ કરવી જરૂરી છે.