ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો તમે પણ આ વર્ષે ITR ફાઇલ કરવાની તૈયારી કરી રહ્યા છો, તો કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. માત્ર ફોર્મ ભરીને સબમિટ કરી દેવું પૂરતું નથી, કારણ કે નાની ભૂલ પણ ભવિષ્યમાં Income Tax Department તરફથી નોટિસ અથવા રિટર્ન રિજેક્ટ થવાનું કારણ બની શકે છે. ITR ફાઇલ કરતા પહેલા સૌપ્રથમ તમારું Annual Information Statement (AIS), Form 26AS અને Tax Passbook જરૂર ચેક કરો. આ દસ્તાવેજોમાં તમારી સેલરી, બેંક વ્યાજ, ડિવિડેન્ડ, TDS અને અન્ય આવકની વિગતો નોંધાયેલી હોય છે. જો આ માહિતી અને તમારા ITRમાં દર્શાવેલી વિગતો વચ્ચે કોઈ તફાવત હશે તો ટેક્સ વિભાગ તરફથી પ્રશ્નો ઉઠી શકે છે. ITR ફાઇલ કરતી વખતે સૌથી મહત્વની બાબત એ છે કે તમારી આવકના પ્રકાર અને સ્ત્રોત પ્રમાણે યોગ્ય ITR ફોર્મ પસંદ કરો. ITR-1, ITR-2, ITR-3 સહિત વિવિધ ફોર્મ ઉપલબ્ધ છે. ખોટું ફોર્મ પસંદ કરવાથી તમારું રિટર્ન રિજેક્ટ થઈ શકે છે અથવા ફરીથી સુધારો કરવાની જરૂર પડી શકે છે. રિટર્ન ભરતા પહેલા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા પણ એટલું જ મહત્વનું છે. Form-16, Salary Slip, Form 26AS, રોકાણના પુરાવા, TDS સંબંધિત દસ્તાવેજો અને અન્ય આવકના રેકોર્ડ હાથવગા રાખવાથી ITR ફાઇલ કરવાની પ્રક્રિયા સરળ બને છે અને ભૂલોની શક્યતા ઘટે છે. જો તમે શેરબજાર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હોય અને તેમાં નુકસાન થયું હોય, તો તેની માહિતી પણ ITRમાં ચોક્કસ દર્શાવો. આવી વિગતો દર્શાવવાથી ભવિષ્યમાં ટેક્સ પ્લાનિંગ અને કેટલાક કિસ્સાઓમાં ટેક્સ બચાવવામાં મદદ મળી શકે છે. ITR ફાઇલ કરતા પહેલા તમારું PAN અને Aadhaar લિંક છે કે નહીં તેની પણ ખાતરી કરી લો. જો બંને લિંક નહીં હોય તો ITR પ્રક્રિયામાં મુશ્કેલી આવી શકે છે અથવા નિયમો મુજબ અન્ય અસર પણ થઈ શકે છે. ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સમયમર્યાદા બાદ રિટર્ન ફાઇલ કરવાથી લેટ ફી, વ્યાજ અથવા અન્ય દંડ લાગવાની શક્યતા રહે છે. એટલું જ નહીં, ITR સબમિટ કર્યા પછી નિર્ધારિત સમયમર્યાદામાં e-Verification કરવું પણ ફરજિયાત છે. જો સમયસર e-Verification નહીં કરો તો તમારું રિટર્ન અધૂરું ગણાઈ શકે છે. આથી, ITR ફાઇલ કરતા પહેલા માત્ર પાંચ મિનિટ કાઢીને તમામ વિગતો, દસ્તાવેજો અને માહિતીની ચકાસણી કરી લો. થોડી સાવધાની તમને ભવિષ્યમાં Income Tax Departmentની નોટિસ, દંડ અને અન્ય મુશ્કેલીઓથી બચાવવામાં મદદ કરી શકે છે.