મધ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષની અસર હવે વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે, જેમાં ભારત પણ અછૂત નથી. આ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં અનિશ્ચિતતા વધી છે, જેના પ્રભાવથી ભારતના અનેક ક્ષેત્રો પર અસર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને એવિએશન સેક્ટર પર આ તણાવની સીધી અસર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના સપ્લાયમાં વિક્ષેપ પડતા એવિએશન ફ્યુઅલ એટલે કે ATF (Aviation Turbine Fuel)ના ભાવમાં વધારો થવાની શક્યતા ઊભી થઈ છે. જેના કારણે ભારતીય એરલાઈન્સના ઓપરેશનલ ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. અહેવાલો મુજબ, 1 એપ્રિલથી એવિએશન ઈંધણના ભાવમાં વધારો થઈ શકે છે. પહેલાથી જ નાણાકીય દબાણ હેઠળ ચાલી રહેલી એરલાઈન્સ માટે આ વધારાનો ખર્ચ વધુ મુશ્કેલી ઉભી કરી શકે છે. આવી સ્થિતિમાં મુસાફરો માટે એરફેર પણ મોંઘા થવાની શક્યતા નકારી શકાય નહીં. ઈરાન સાથે જોડાયેલા તણાવના કારણે ક્રૂડ ઓઈલ સપ્લાય ચેઇનમાં વિક્ષેપ સર્જાયો છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ભાવમાં અસ્થિરતા વધી રહી છે. આ પરિસ્થિતિ લાંબા ગાળે ચાલુ રહે તો ભારતની અર્થવ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટ સેક્ટર પર તેની વધુ ગંભીર અસર પડી શકે છે. આથી, આવનારા દિવસોમાં ઈંધણના ભાવ અને એરલાઈન ઉદ્યોગમાં થતા ફેરફારો પર નજર રાખવી જરૂરી બની છે, કારણ કે તેની સીધી અસર સામાન્ય મુસાફરોના ખર્ચ પર પડી શકે છે. ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું કે હાલના સંજોગોમાં, ઇંધણ અને ATF ના ભાવમાં વધારો લગભગ અનિવાર્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મંત્રાલયનું ધ્યાન એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે આનાથી ટિકિટના ભાવમાં નોંધપાત્ર વધારો ન થાય. સરકાર મુસાફરોના હિતમાં શક્ય તમામ પગલાં લેશે...જોકે સ્થાનિક એરલાયન્સે પહેલાજ ઈંધણ સરચાર્જ લાગુ કરી દીધો હતો.