દેશભરમાં દિવાળીમાં લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોય છે. પરંતુ અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે કંઇક અલગ જ નજારો જોવા મળે છે. અહીં લોકો 'ઈંગોરિયા યુદ્ધ' કરી ઉજવણી કરતા હોય છે. દિવાળીની રાત પડતા જ સાવરકુંડલાની બજારમાં લોકો સામસામે બે જૂથમાં વહેંચાઈ જતા હોય છે અને બાદમાં એક બીજા પર સળગતા ઈંગોરિયા ફેંકી ઉજવણી કરતા હોય છે. દેખીતી રીતે જોખમી લાગતી આ રમતમાં સાવરકુંડલામાં કોઈ વ્યકિત દાઝતા ન હોવાનો દાવો કરવામાં આવે છે. ઈંગોરિયા યુદ્ધની વાત આવે એટલે તુરંત જ સાવરકુંડાલનું નામ આવે. અમરેલીના સાવરકુંડલા શહેરમાં છેલ્લા 8 દાયકાથી દિવાળીની રાત્રે એકબીજા પર સળગતા ઈંગોરિયા ફેંકી ઉજવણી કરવાની અનોખી પરંપરા ચાલી આવે છે. સામાન્ય રીતે યુદ્ધ ગુસ્સાના ભાવ સાથે ખેલાતા હોય છે. પરંતુ, દિવાળીની રાત્રે સાવરકુંડલા શહેરમાં ખેલાતું ઈંગોરિયા યુદ્ધ હસતા મોઢે ખેલવામાં આવે છે. અને અનોખી રમત જોવા પણ લોકો દૂર દૂરથી આવે છે.