આણંદ સહિત રાજ્યના હાઈવેનો ઉપયોગ કરનાર વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 1લી એપ્રિલથી વાસદ અને ખેડા ટોલ પ્લાઝા પર રોકડ ચૂકવણી સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. આ નિર્ણય હેઠળ હવે ટોલ ટેક્સ માટે ફક્ત FASTag અને UPI જેવી ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓ જ માન્ય રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન આપવા અને ટોલ પ્લાઝા પર થતા ટ્રાફિક જામને ઘટાડવા માટે આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. આ નવા નિયમો અમલમાં આવતા FASTag વગરના વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે રોકડ સ્વીકારવામાં નહીં આવે. તેથી, મુસાફરોને પહેલેથી જ FASTag સક્રિય કરવા અથવા UPI પેમેન્ટ માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે. 1લી એપ્રિલથી દેશભરમાં આ નિયમ લાગુ થવાને કારણે મુસાફરી વધુ ઝડપી અને સરળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.