મહેસાણાનું ઐતિહાસિક મોઢેરા હવે વૈશ્વિક ફલક પર ચમકી રહ્યું છે. દેશનું પ્રથમ ‘સોલર વિલેજ’ બન્યા બાદ મોઢેરાના વિકાસને જાણે પાંખો આવી છે. એક સમય હતો જ્યારે પર્યટકો માત્ર સૂર્યમંદિર જોઈને પરત ફરી જતા હતા પરંતું હવે અહીંયા રાત્રી રોકાણ, આધુનિક સુવિધાઓ અને લેસર શોના કારણે પ્રવાસન ઉદ્યોગ ખીલી ઉઠ્યો છે.. જેના કારણે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થયો છે. મહેસાણાનું ઐતિહાસિક ગામ મોઢેરા, જે અગાઉ માત્ર તેના ભવ્ય સૂર્યમંદિર માટે જાણીતું હતું, તે આજે દેશ અને દુનિયા માટે વિકાસનું એક નવું મોડેલ બની ગયું છે. મોઢેરાને હેરિટેજ સ્થળોમાં સ્થાન મળ્યા બાદ અને દેશનું પ્રથમ 'સોલર વિલેજ' જાહેર કરાયા પછી અહીં વિકાસને બુસ્ટર ડોઝ મળ્યો છે. ત્યારે અત્યારે 24 કલાક સૂર્યઉર્જાથી ધમધમતા આ ગામમાં પ્રવાસીઓનો ઘસારો અભૂતપૂર્વ રીતે વધી ગયો છે. મહત્વનું છે કે પુષ્પાવતી નદીના કાંઠે હરિયાળી વચ્ચે વૈભવી હોટલો અને રીસોર્ટ ઊભા થયા છે, જ્યાં પ્રવાસીઓ કુદરતના સાનિધ્યમાં રોકાણનો આનંદ માણી રહ્યા છે. આ પ્રવાસન ક્રાંતિના કારણે સ્થાનિક સ્તરે હોટેલનો વ્યવસાય, ગાઈડ અને નાના વેપારીઓ માટે રોજગારીની વ્યાપક તકો ઉભી થઈ છે, અને મોઢેરા આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે.