ગીરની પ્રખ્યાત કેસર કેરીની સીઝન હવે પૂર બહારમાં ખીલી છે. છેલ્લા ઘણા દિવસથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં તોતિંગ વધારો નોંધાયો છે, જેના પરિણામે પ્રારંભિક ઊંચા ભાવોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જોકે, કમોસમી વરસાદ અને ગ્લોબલ વોર્મિંગના કારણે પાકને થયેલા નુકસાનથી ખેડૂતો અને ઈજારદારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. સીઝનની શરૂઆતમાં જૂનાગઢ યાર્ડમાં દૈનિક માત્ર 50 થી 100 બોક્સની આવક થતી હતી, જે હવે વધીને 8,000 થી 10,000 બોક્સ સુધી પહોંચી ગઈ છે. આવક વધવાને કારણે ભાવોમાં ફેરફાર જોવા મળ્યો છે. સીઝનની શરૂઆતમાં કેસર કેરીના એક બોક્સનો ભાવ 1,500 થી 2,000 રૂપિયા સુધી બોલાતો હતો. જેની સામે આવક વધતા ભાવ ઘટીને 700 થી 1,000 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે.