અમદાવાદમાં સોનાની ઈમ્પોર્ટ ડ્યુટીમાં થયેલા વધારાની અસર હવે સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. ઈમ્પોર્ટ ડ્યુટી વધતા સોનાના ભાવમાં સતત વધારો નોંધાયો છે, જેના કારણે જવેલર્સના વેપાર પર સીધી અસર પડી રહી છે. બજારમાં ગ્રાહકોની અવરજવર ઘટી ગઈ છે અને ખરીદીમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. જવેલર્સના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના દાગીનાની માંગમાં ઘટાડો થયો છે. ખાસ કરીને લગ્નસરાની સિઝન નજીક હોવા છતાં ગ્રાહકો ખરીદી માટે આગળ આવી રહ્યા નથી. સોનાના વધતા ભાવને કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો હાલ ખરીદી ટાળી રહ્યા છે. બીજી તરફ, સોશિયલ મીડિયા અને વિવિધ સંગઠનો દ્વારા એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ પણ બજારમાં અસરકારક સાબિત થઈ રહી હોવાનું મનાઈ રહ્યું છે. આ અપીલ બાદ ઘણા ગ્રાહકો ખરીદી અંગે ફરી વિચાર કરી રહ્યા છે, જેના કારણે બજારમાં સોનાની માંગ ધીમી પડી છે. છેલ્લા બે દિવસ દરમિયાન અમદાવાદના અનેક જવેલર્સ શોરૂમમાં સામાન્ય દિવસોની સરખામણીએ ઓછી ખરીદી નોંધાઈ છે. વેપારીઓનું કહેવું છે કે જો સોનાના ભાવમાં વધુ વધારો થશે તો આવનારા સમયમાં વેપાર પર વધુ મોટી અસર પડી શકે છે.