દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. ત્યારે 15થી 19 જૂનની આસાપસ ચોમાસું ગુજરાત પહોંચી શકે છે. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે વરસાદની શક્યતા. ગુજરાતમાં અસહ્ય બફારા વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી. દાહોદના ફતેપુરા પંથકમાં અચાનક વાતાવરણ પલટાયા બાદ ધોધમાર વરસાદ વરસ્યો. જેનાથી રસ્તાઓ પર પાણી વહેતા થયા. બીજી તરફ મધ્ય ગુજરાતના ખેડા અને મહીસાગર જિલ્લામાં પણ મેઘ મહેર જોવા મળી. મહેમદાવાદ તાલુકાના સિહુંજ, નવાગામ અને રૂદન સહિતના ગામોમાં વીજળીના કડાકા સાથે છૂટોછવાયો વરસાદ શરૂ થયો. જ્યારે મહીસાગરના પંથકોમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો.. લાંબા સમયથી ભીષણ ગરમી અને અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠેલા લોકોને આ વરસાદી માહોલથી ભારે રાહત મળી છે. બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે, 10 જૂન સુધી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન મેદાની વિસ્તારોમાં 40થી 50 કિમી, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં 20થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે