ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, 12 સપ્ટેમ્બરથી રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે. રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતાને કારણે વિવિધ વિસ્તારોમાં મેઘરાજા રમઝટ બોલાવી શકે છે. 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન ખાસ કરીને પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદ જ્યારે અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. જેના કારણે સ્થાનિક તંત્ર અને લોકોને પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારો માટે પણ મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની સ્થિતિ અને વરસાદને ધ્યાનમાં રાખીને માછીમારોને સાવચેતી રાખવા જણાવાયું છે. અમદાવાદની વાત કરીએ તો આજે શહેરમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. જોકે, 13 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદનું જોર વધવાની અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.