આ વર્ષે પણ નવરાત્રી દરમિયાન ખેલૈયાઓના ઉત્સાહ પર વરસાદી વિઘ્ન આવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સપ્ટેમ્બર બાદ ઓક્ટોબર માસમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન વરસાદી ઝાપટા પડવાની આગાહીથી ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધી શકે છે. જો વરસાદનું જોર વધે તો ખુલ્લા મેદાનમાં યોજાતા ગરબાના કાર્યક્રમોને અસર થવાની શક્યતા છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી દિવસોમાં રાજ્યમાં આકરી ગરમીનો માહોલ જોવા મળી શકે છે. 13 સપ્ટેમ્બરથી રાજ્યમાં ગરમીમાં વધારો થયા બાદ ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. ગરમીના આ તબક્કા બાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. જેના કારણે નવરાત્રીના દિવસોમાં પણ હવામાનમાં અચાનક પલટો જોવા મળી શકે છે. આગાહી મુજબ બંગાળની ખાડી અને અરબ સાગરમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ શકે છે. આ સિસ્ટમની અસરને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને 10 ઓક્ટોબર બાદ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. નવરાત્રી દરમિયાન વરસાદની સંભાવના રહેતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો માટે હવામાન મહત્વનું બની શકે છે. જોકે, વરસાદનો વિસ્તાર અને તેની તીવ્રતા અંગેની સ્થિતિ આગામી દિવસોમાં વધુ સ્પષ્ટ થશે. નવરાત્રી નજીક આવતાં હવામાન વિભાગની આગાહી અને સ્થાનિક હવામાનની સ્થિતિ પર સૌની નજર રહેશે.