ઓગસ્ટના અંતમાં ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર ધમરોળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 23થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. આ સિસ્ટમની અસરથી નર્મદા નદીનું જળસ્તર પણ વધી શકે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. વડોદરા, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદના ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અનેક સ્થળોએ છૂટોછવાયો વરસાદ થતાં કૃષિ પાકોને પણ ફાયદો થઈ શકે છે. આગામી તહેવારો દરમિયાન પણ રાજ્યમાં મેઘરાજા અમી છાંટણા કરે તેવી આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટના અંતિમ દિવસો અને સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. રક્ષાબંધનના દિવસે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત જન્માષ્ટમી, પર્યુષણ અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો દરમિયાન પણ સારો વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં ગરમી વચ્ચે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી હોવાથી આગામી દિવસોમાં ગુજરાતના હવામાન પર સૌની નજર રહેશે.