ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન મેઘરાજા ફરી એકવાર અનેક વિસ્તારોને ઘમરોળી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને ત્રણ મોટી આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સાથે દક્ષિણ અને પૂર્વ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 13થી 15 ઓગસ્ટ દરમિયાન મધ્ય પ્રદેશને જોડાયેલા ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ સર્જાઈ શકે છે. હવામાનની સ્થિતિને જોતા આગામી દિવસોમાં વરસાદનું જોર કેટલાક વિસ્તારોમાં વધવાની શક્યતા છે. અંબાલાલ પટેલે આગામી સમયમાં નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થઈ શકે તેવી આગાહી કરી છે. વરસાદી પાણીની આવક અને ઉપરવાસમાં વરસાદની સ્થિતિને કારણે નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં વરસાદની આગાહીને પગલે ખેડૂતો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સ્થાનિક હવામાન અને વહીવટી તંત્રની સૂચનાઓ પર નજર રાખવી જરૂરી રહેશે.