રાજ્યમાં વરસાદની ઘટ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી 14 અને 15 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના નવા રાઉન્ડની શક્યતાને પગલે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આશા જાગી છે. હવામાનની સ્થિતિને જોતા રાજ્યમાં લો પ્રેશર, મોનસૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતની ચાર સિસ્ટમ સક્રિય હોવાનું સામે આવ્યું છે. આ સિસ્ટમની અસર હેઠળ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વરસાદ થાય તો પાકને મોટો ફાયદો થઈ શકે છે. હાલ વરસાદની ઘટને કારણે ખેડૂતો ચિંતામાં છે, ત્યારે આગામી વરસાદ ખેતી માટે મહત્વનો સાબિત થઈ શકે છે. રાજ્યમાં અત્યાર સુધી થયેલા વાવેતરમાં આશરે 95 ટકા વાવેતરને વરસાદથી જીવતદાન મળવાની આશા બંધાઈ છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો ઉભા પાકને જરૂરી પાણી મળી શકે છે અને ખેડૂતોને મોટી રાહત મળી શકે છે. જોકે વરસાદનું પ્રમાણ અને વિસ્તાર હવામાનની સ્થિતિ પર નિર્ભર રહેશે.