રાજ્યમાં એક તરફ ઉનાળાની ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ હવામાન વિભાગે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળવાની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં આજે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી વધતી ગરમી વચ્ચે આ બદલાતું વાતાવરણ ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતરૂપ બની શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને નર્મદા જિલ્લામાં આજે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને ગાજવીજ દરમિયાન ખુલ્લા વિસ્તારોમાં જવાનું ટાળવા સૂચન કર્યું છે. સાથે જ સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાનમાં આવેલા આ ફેરફારને કારણે આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.