હવામાનને લઈને રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ બનવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને વરસાદ દરમિયાન ખુલ્લા મેદાન, વૃક્ષો અને વીજપોલની નજીક ન રહેવાની સલાહ આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને પોરબંદરમાં આગામી સમયમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ વધુ સક્રિય બની શકે છે અને કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. પાટણ, સમી, હારીજ અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડી શકે છે. વરસાદ સાથે વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્ર અને નાગરિકોને જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.