ગુજરાતના વિવિધ ભાગોમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં બનેલી સિસ્ટમની અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે. આ સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાય તો તેની અસર નર્મદા નદીના જળસ્તર પર પણ જોવા મળી શકે છે. ગુજરાતના ઉત્તર-પૂર્વના વિસ્તારો તેમજ રાજસ્થાનની સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. આગામી 24થી 28 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ઓગસ્ટના અંતમાં બંગાળના ઉપસાગરમાં વધુ એક મોટી સિસ્ટમ બની શકે છે. આ મજબૂત સિસ્ટમની અસર મધ્ય પ્રદેશ સહિત ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ પણ ખાબકી શકે છે. જોકે વરસાદની તીવ્રતા અને વિસ્તાર અંગેની સ્થિતિ આગામી દિવસોમાં હવામાનની ગતિવિધિઓ પર નિર્ભર રહેશે.