ગાંધીનગર: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષકોની બદલી માટેના કેમ્પ દિવાળી વેકેશન દરમિયાન યોજવામાં આવશે. સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકો માટેની બદલી પ્રક્રિયા ઓફલાઇન પદ્ધતિથી હાથ ધરવામાં આવશે. આ નિર્ણયથી બદલીની રાહ જોઈ રહેલા મુખ્ય શિક્ષકો માટે દિવાળી વેકેશન દરમિયાન બદલીની તક ઉપલબ્ધ થશે. બદલી કેમ્પના આયોજનને લઈને વિગતવાર શિડ્યુલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જોકે, હાલ જિલ્લા અરસ-પરસ બદલીને મંજૂરી આપવામાં આવશે નહીં. આ અંગેનો નિર્ણય આગામી જિલ્લા ફેર બદલી કેમ્પ દરમિયાન લેવામાં આવશે. એટલે કે, જિલ્લા અરસ-પરસ બદલી ઇચ્છતા શિક્ષકોએ આગામી નિર્ણયની રાહ જોવી પડશે. આ ઉપરાંત, મુખ્ય શિક્ષકોની બદલી પ્રક્રિયામાં વેઇટિંગ લિસ્ટ રાખવામાં આવશે નહીં. આમ, દિવાળી વેકેશન દરમિયાન યોજાનારા બદલી કેમ્પ અને તેની પ્રક્રિયા અંગે શિક્ષકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. હવે શિક્ષણ વિભાગ દ્વારા બદલી કેમ્પનું સત્તાવાર શિડ્યુલ જાહેર કરવામાં આવે તેની રાહ જોવાઈ રહી છે.