રાજ્યના અનેક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખાસ કરીને ભરૂચના હાંસોટ વિસ્તારમાં પેટ્રોલ પંપ પર ડીઝલ માટે ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં વાહનચાલકોને ઇંધણ મેળવવા માટે લાંબી રાહ જોવી પડી હતી. મહીસાગર જિલ્લામાં પણ કેટલાક પેટ્રોલ પંપ પર જથ્થો ખૂટતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો અને ત્યાં પણ વાહનચાલકોની લાંબી કતારો લાગી હતી. બીજી તરફ પંચમહાલ જિલ્લામાં કેટલાક પંપ પર પેટ્રોલ ખૂટવાની સ્થિતિ સર્જાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક પેટ્રોલ પંપ થોડા સમય માટે બંધ રહેતા ગ્રાહકોની ભીડ વધુ વધી ગઈ હતી, જેના કારણે વિવિધ વિસ્તારોમાં અફરાતફરી જેવો માહોલ જોવા મળ્યો હતો. જોકે પંપ સંચાલકો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. પંપ સંચાલકોના જણાવ્યા મુજબ એડવાન્સ પેમેન્ટ સિસ્ટમના કારણે કેટલીક જગ્યાએ તાત્કાલિક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ઉપરાંત ખેતીની સિઝનના કારણે ડીઝલની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેના કારણે કેટલીક જગ્યાએ પુરવઠા પર દબાણ સર્જાયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક પેટ્રોલ પંપ તાત્કાલિક કારણોસર થોડા સમય માટે બંધ રહ્યા હોવાની શક્યતા છે, પરંતુ સમગ્ર રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની પૂરતી ઉપલબ્ધતા છે અને કોઈ પ્રકારની અછત નથી.