ઉત્તરાયણના તહેવારને હવે થોડો સમય બાકી છે ત્યારે પ્રતિબંધિત માંજાના વેચાણ અને ઉપયોગને લઈને ગુજરાત હાઇકોર્ટે ગંભીરતા દર્શાવી છે. પ્રતિબંધિત માંજાના કારણે પક્ષીઓ તેમજ લોકોની સુરક્ષા સામે ઊભા થતા જોખમને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે રાજ્ય સરકારને અત્યારથી જ જરૂરી કામગીરી શરૂ કરવા નિર્દેશ આપ્યા છે. હાઇકોર્ટે સરકારને સ્પષ્ટ સૂચના આપી છે કે ઉત્તરાયણ દરમિયાન પ્રતિબંધિત માંજાના વેચાણ અને ઉપયોગ પર અસરકારક રીતે નિયંત્રણ લાવવામાં આવે. પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી થાય તે માટે પણ હાઇકોર્ટે ટકોર કરી છે. કોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા પ્રતિબંધિત માંજાના વેચાણ સામે તપાસ અને કાર્યવાહી વધુ તેજ કરવામાં આવે તેવી શક્યતા છે. ખાસ કરીને બજારો, દુકાનો અને અન્ય સ્થળોએ પ્રતિબંધિત માંજાનું વેચાણ ન થાય તે માટે તંત્રને સતર્ક રહેવું પડશે. હાઇકોર્ટે રાજ્ય સરકારને આ સમગ્ર મામલે અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરી અંગે બે સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. જેના પગલે સરકાર દ્વારા વિવિધ વિભાગો અને સ્થાનિક તંત્રને જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી શકે છે. ઉત્તરાયણ દરમિયાન પતંગ ઉડાડવા માટે પ્રતિબંધિત માંજાનો ઉપયોગ ન થાય અને તેના કારણે કોઈ જાનહાનિ કે પક્ષીઓને નુકસાન ન થાય તે માટે કડક અમલ જરૂરી હોવાનું કોર્ટના નિર્દેશોમાં ભારપૂર્વક સામે આવ્યું છે. હવે આગામી દિવસોમાં રાજ્ય સરકાર પ્રતિબંધિત માંજાના વેચાણ સામે શું પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે.