રાજકોટ નજીક આવેલું પવિત્ર યાત્રાધામ વીરપુર આજે સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધા અને ભક્તિના મહાસાગરમાં ડૂબી ગયું છે. 'જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂકડો' ના જીવન મંત્રને અપનાવનારા પૂજ્ય બાપાના દર્શન માટે મોડી રાતથી જ દેશ-વિદેશના લાખો ભક્તોની લાંબી લાઈનો લાગી છે. વીરપુરવાસીઓએ પોતાના ઘરોને રંગોળીઓ અને તોરણોથી સજાવી આ દિવસને દિવાળી જેવા ઉત્સાહથી વધાવ્યો છે. વહેલી સવારે બાપાના પરિવારે સમાધિએ પૂજા-અર્ચના કરી, નિજ મંદિરે પ્રથમ આરતી ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા. શહેરના મુખ્ય રસ્તાઓ અને ચોકમાં બાપાના જીવન કવનને દર્શાવતી ભવ્ય ઝાંખીઓ તૈયાર કરવામાં આવી છે. આજના દિવસે વીરપુરમાં શોભાયાત્રા પણ યોજાઈ રહી છે, જેમાં હજારો ભક્તો જોડાશે. ઉલ્લેખનીય છે કે, આ પવિત્ર મંદિરમાં આજે પણ ઘણા વર્ષોથી દાન લેવાતું નથી, પરંતુ ભોજનનો પ્રસાદ વિનામૂલ્યે અપાય છે.